< ઝખાર્યા 11 >

1 હે લબાનોન, તારા દરવાજા ઉઘાડ, કે અગ્નિ તારાં દેવદાર વૃક્ષોને ભસ્મ કરે. 2 હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે. 3 ઘેટાંપાળકોની પોકનો અવાજ સંભળાય છે, કેમ કે તેઓનો વૈભવ નષ્ટ થયો છે. જુવાન સિંહના બચ્ચાની ગર્જનાનો અવાજ સંભળાય છે, કેમ કે, યર્દન નદીનો ગર્વ નષ્ટ થયો છે. 4 મારા ઈશ્વર યહોવાહે કહ્યું, “કતલ થઈ જતા ટોળાંનું પાલન કરો. 5 તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો! કે અમે શ્રીમંત છીએ!’ કેમ કે તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી. 6 યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ.” જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ.” 7 માટે કતલ થઈ જતા ટોળાંનું અને કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કરુણા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું. 8 એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા. 9 ત્યારે મેં કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ. જે મરવાના છે તે ભલે મરે, જે નાશ પામે તે ભલે નાશ પામે. જેઓ બાકી રહ્યા તે ભલે પોતાના પડોશીનું માંસ ખાય.” 10 ૧૦ પછી મેં મારી “કરુણા” નામની લાકડી લીધી અને મારાં બધાં કુળો સાથે જે કરાર મેં કર્યો હતો તે રદ કરવા મેં તેને કાપી નાખી. 11 ૧૧ તે દિવસે તે કરાર રદ કરવામાં આવ્યો, અને ટોળાંના જે વેપારીઓ મારા પર નજર રાખતા હતા તેઓએ જાણ્યું કે આ યહોવાહનું વચન છે. 12 ૧૨ મેં તેઓને કહ્યું; “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો.” તેથી તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા. 13 ૧૩ પછી યહોવાહે મને કહ્યું, “ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!” તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા. 14 ૧૪ પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી. 15 ૧૫ યહોવાહે મને કહ્યું, “તું ફરીથી મૂર્ખ પાળકની જવાબદારી લઈ લે, 16 ૧૬ કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લેશે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, અને અપંગોને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે. 17 ૧૭ ટોળાંને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”

< ઝખાર્યા 11 >