< ગીતશાસ્ત્ર 8 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. 2 તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. 3 આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું, 4 ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? 5 કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. 6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: 7 સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ, 8 આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. 9 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!

< ગીતશાસ્ત્ર 8 >