< ગીતશાસ્ત્ર 70 >

1 મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો. 2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ. 3 જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો. 4 તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.” 5 પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.

< ગીતશાસ્ત્ર 70 >