< ગીતશાસ્ત્ર 62 >

1 મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે. 2 તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી. 3 જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગયેલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો? 4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે. 5 હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે. 6 તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી. 7 ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. 8 હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. (સેલાહ) 9 નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે. 10 ૧૦ જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો. 11 ૧૧ ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે. 12 ૧૨ વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.

< ગીતશાસ્ત્ર 62 >