< ગીતશાસ્ત્ર 57 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે. 2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ. 3 જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; (સેલાહ) તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે. 4 મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે. 5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ. 6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. (સેલાહ) 7 હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ. 8 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ. 9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. 10 ૧૦ કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે. 11 ૧૧ હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.

< ગીતશાસ્ત્ર 57 >