< ગીતશાસ્ત્ર 48 >

1 ગાયન; કોરાના દીકરાઓનું ગીત. આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે. 2 મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે. 3 તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે. 4 કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા. 5 પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા. 6 ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું. 7 તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં. 8 જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. (સેલાહ) 9 હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો. 10 ૧૦ હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે. 11 ૧૧ તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે. 12 ૧૨ સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો. 13 ૧૩ તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો. 14 ૧૪ કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.

< ગીતશાસ્ત્ર 48 >