< ગીતશાસ્ત્ર 47 >

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો. 2 કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. 3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. 4 તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. (સેલાહ) 5 ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે. 6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. 7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. 8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે. 9 લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.

< ગીતશાસ્ત્ર 47 >