< ગીતશાસ્ત્ર 45 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. પ્રેમ વિષે ગીત. મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે. 2 તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. 3 હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો. 4 સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે. 5 તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે. 6 ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. 7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે. 8 તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે. 9 રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે. 10 ૧૦ હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા. 11 ૧૧ આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર. 12 ૧૨ તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. 13 ૧૩ રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. 14 ૧૪ શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે. 15 ૧૫ તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે. 16 ૧૬ તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો. 17 ૧૭ હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.

< ગીતશાસ્ત્ર 45 >