< ગીતશાસ્ત્ર 42 >

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ. હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે. 2 ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ? 3 મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?” 4 હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ. 6 હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું. 7 તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે. 8 દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો. 9 ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે મને કેમ ભૂલી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?” 10 ૧૦ “તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તલવારની જેમ કચરી નાખે છે. 11 ૧૧ હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ.

< ગીતશાસ્ત્ર 42 >