< ગીતશાસ્ત્ર 4 >

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો. 2 હે મનુષ્યો, તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો? તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવશો? (સેલાહ) 3 પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે. 4 તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. (સેલાહ) 5 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. 6 ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. 7 લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. 8 હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.

< ગીતશાસ્ત્ર 4 >