< ગીતશાસ્ત્ર 3 >

1 પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે. 2 ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” (સેલાહ) 3 પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો. 4 હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ) 5 હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે. 6 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ. 7 હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે. 8 વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)

< ગીતશાસ્ત્ર 3 >