< ગીતશાસ્ત્ર 29 >

1 દાઉદનું ગીત. હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો; ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો. 2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો. 3 યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે; ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે. 4 યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે. 5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે; યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે. 6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે. 7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. 8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે. 9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!” 10 ૧૦ યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. 11 ૧૧ યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.

< ગીતશાસ્ત્ર 29 >