< ગીતશાસ્ત્ર 24 >

1 દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. 2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે. 3 યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે? 4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે. 5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે. 6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ) 7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! 8 ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. 9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે! 10 ૧૦ આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)

< ગીતશાસ્ત્ર 24 >