< ગીતશાસ્ત્ર 20 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. 2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો. 3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો. 4 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. 5 તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. 6 હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે. 7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. 8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. 9 હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.

< ગીતશાસ્ત્ર 20 >