< ગીતશાસ્ત્ર 2 >

1 વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે? 2 યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે, 3 “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.” 4 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. 5 પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે, 6 “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.” 7 હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે. 8 તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. 9 તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.” 10 ૧૦ તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો. 11 ૧૧ ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો. 12 ૧૨ તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.

< ગીતશાસ્ત્ર 2 >