< ગીતશાસ્ત્ર 132 >

1 ચઢવાનું ગીત. હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો. 2 તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો. 3 તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું, 4 ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં. 5 વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.” 6 જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો. 7 ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. 8 હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો. 9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો. 10 ૧૦ તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. 11 ૧૧ યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ. 12 ૧૨ જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.” 13 ૧૩ હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે. 14 ૧૪ આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે. 15 ૧૫ હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. 16 ૧૬ હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. 17 ૧૭ ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે. 18 ૧૮ તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.

< ગીતશાસ્ત્ર 132 >