< ગીતશાસ્ત્ર 11 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત) યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?” 2 કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે. 3 કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે? 4 યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે. 5 યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે. 6 તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે. 7 કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.

< ગીતશાસ્ત્ર 11 >