< ગીતશાસ્ત્ર 101 >

1 દાઉદનું ગીત. કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ. 2 હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. 3 હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ. 4 અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ. 5 જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ. 6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે. 7 કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ. 8 આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.

< ગીતશાસ્ત્ર 101 >