< નીતિવચનો 31 >

1 લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે. 2 હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા? 3 તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ. 4 દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી. 5 કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી. 6 જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ. 7 ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે, અને તેઓને પોતાનાં દુ: ખો યાદ આવે નહિ. 8 જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર. 9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ. 10 ૧૦ સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે. 11 ૧૧ તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ. 12 ૧૨ પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી. 13 ૧૩ તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે. 14 ૧૪ તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે. 15 ૧૫ ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે. 16 ૧૬ તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે. 17 ૧૭ પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે. 18 ૧૮ તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. 19 ૧૯ તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે. 20 ૨૦ તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે. 21 ૨૧ તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. 22 ૨૨ તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે. 23 ૨૩ તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે. 24 ૨૪ તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે. 25 ૨૫ શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે. 26 ૨૬ તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે. 27 ૨૭ તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી. 28 ૨૮ તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે, 29 ૨૯ “જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.” 30 ૩૦ લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે. 31 ૩૧ તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.

< નીતિવચનો 31 >