< ગણના 17 >

1 યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 2 “તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ. 3 લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પૂર્વજોના કુળના દરેક આગેવાનને માટે એકેક લાકડી હોય. 4 કરારની સામેના મુલાકાતમંડપમાં કે જ્યાં હું તને મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. 5 અને એવું થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને અંકુર ફૂટી નીકળશે. આ રીતે હું ઇઝરાયલી લોકો જે તારી વિરુદ્ધ બોલે છે તેઓની ફરિયાદોને બંધ કરીશ.” 6 તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી. 7 પછી મૂસાએ લાકડીઓ મુલાકાતમંડપની અંદરના સાક્ષ્યમંડપમાં યહોવાહની સમક્ષ મૂકી. 8 બીજે દિવસે મૂસા સાક્ષ્યમંડપમાં ગયો ત્યારે જુઓ, હારુનની લાકડી જે લેવીના કુળને માટે હતી તે ફૂટી નીકળી હતી. તેને અંકુર ફૂટ્યા હતા, ફૂલો ખીલ્યાં હતા અને પાકી બદામો પણ લાગી હતી. 9 મૂસા યહોવાહની સમક્ષતામાંથી બધી લાકડીઓ ઇઝરાયલી પાસે બહાર લાવ્યો. દરેક માણસે પોતાની લાકડી શોધી અને લઈ લીધી. 10 ૧૦ યહોવાહે મૂસાને કહ્યું, “હારુનની લાકડી સાક્ષ્યમંડપની સમક્ષ મૂક. બળવો કરનારા લોકો વિરુદ્ધ ચિહ્ન તરીકે મૂક, જેથી મારી વિરુદ્ધ તેમની આ ફરિયાદોનો અંત આવે અને તેમને મરવું પડે નહિ.” 11 ૧૧ યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ. 12 ૧૨ ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “આપણે અહીં મરી જઈશું. અમે બધા નાશ પામીએ છીએ! 13 ૧૩ જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?”

< ગણના 17 >