< નહેમ્યા 5 >

1 પછી લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે પોતાના યહૂદી ભાઈઓની વિરુદ્ધ મોટો પોકાર કર્યો. 2 તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ.” 3 ત્યાં વળી બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષવાડીઓ તથા ઘરો અનાજ મેળવવા માટે ગીરો મૂકવાને તૈયાર છીએ.” 4 કેટલાકે એમ કહ્યું, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે. 5 હવે જોકે અમારા શરીર તથા લોહી અમારા ભાઈઓના જેવાં અને અમારા બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. તોપણ અમે અમારા દીકરાઓને તથા અમારી દીકરીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ. અમારી દીકરીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. પણ અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓના માલિક બીજા થયા છે.” 6 આ તેઓના પોકારના શબ્દો સાંભળીને હું ઘણો ક્રોધિત થયો. 7 પછી આ વિષે મેં મનમાં વિચાર કર્યો અને અમીરોને તથા અધિકારીઓને ધમકાવ્યા. મેં તેઓને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી. 8 અને તેઓને કહ્યું કે, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યાં; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો?” તેઓ છાના રહ્યા અને જવાબ આપવા તેઓને એક શબ્દ પણ બોલવાનો સૂજ્યો નહિ. 9 વળી મેં કહ્યું કે, “તમે જે કરી રહ્યા છો તે સારું નથી. આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને શું તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ? 10 ૧૦ હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા અને અનાજ ઉધાર આપતા આવ્યા છીએ. પણ હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. 11 ૧૧ કૃપા કરીને આજે જ તેઓનાં ખેતરો, દ્રાક્ષવાડીઓ, જૈતૂનવાડીઓ, તેઓનાં ઘરો, પૈસા, અનાજ, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તમારે તેઓને પાછાં આપવાં.” 12 ૧૨ પછી તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું અને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તારા કહેવા મુજબ અમે કરીશું,” પછી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ ખવડાવ્યા, કે તેઓ પોતાનું વચન પાળશે. 13 ૧૩ પછી મેં તેઓને ચેતવણી આપી કે, “જે માણસ પોતાનું વચન ન પાળે તેઓનું પોતાનું ઘર, મિલકત તથા સર્વસ્વ ઈશ્વર નષ્ટ કરો. આખી સભાએ કહ્યું, “આમીન.” અને તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને તે લોકોએ આપેલા વચન પ્રમાણે કર્યું. 14 ૧૪ જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના આગેવાન તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે આર્તાહશાસ્તા રાજાના શાસનકાળના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષ સુધી રાજ્યપાલ તરીકે બજાવેલી ફરજનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. 15 ૧૫ પણ મારા પહેલાં જે રાજ્યપાલો હતા, તેઓના ખર્ચનો ભાર એ લોકો પર પડતો, તેઓ તેઓની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેઓના ચાકરો લોકો પર ત્રાસ ગુજારતા હતા. પણ મેં ઈશ્વરથી ડરીને તેઓની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. 16 ૧૬ વળી હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો અને અમે કંઈ પણ જમીન ખરીદી નહિ. અને મારા સર્વ ચાકરો તે કામ કરવા ભેગા થયા હતા. 17 ૧૭ અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના દોઢસો માણસો મારી સાથે જમતા. 18 ૧૮ અમારે સારુ ખોરાકમાં દરરોજ એક બળદ, પસંદ કરેલા છ ઘેટાં, પક્ષીઓ ઉપરાંત દર દસ દિવસે જોઈએ તેટલો દ્રાક્ષારસ આપવામાં આવતો. મેં રાજ્યપાલ તરીકેની ફરજનો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો. 19 ૧૯ “હે મારા ઈશ્વર, એ લોકોને સારુ મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કર.”

< નહેમ્યા 5 >