< લેવીય 25 >

1 સિનાઈ પર્વત પર યહોવાહે મૂસાને કહ્યું, 2 “તું ઇઝરાયલી લોકોને આ કહે કે, ‘જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે. 3 છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષવાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો. 4 પરંતુ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો વિશ્રામવાર થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ અને તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી નહિ. 5 જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય. 6 એ વિશ્રામના વર્ષમાં ખેડ્યા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્યે વસતા પરદેશીઓનો તે ખોરાક થશે; 7 અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે. 8 તમારે પોતાના માટે સાત વર્ષનાં સાત વિશ્રામ ગણવાં, એટલે કે સાત વાર સાત વર્ષ, એટલે ઓગણપચાસ વર્ષ. 9 પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું. 10 ૧૦ અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. તમારા માટે તે રણશિંગડાનું એટલે જ્યુબિલીનું વર્ષ છે. અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું. 11 ૧૧ એ પચાસમાંનું વર્ષ તમારા માટે ખાસ જ્યુબિલીનો વર્ષ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી. 12 ૧૨ કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો. 13 ૧૩ જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું. 14 ૧૪ જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ. 15 ૧૫ જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે. 16 ૧૬ જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે. 17 ૧૭ તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. 18 ૧૮ મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો. 19 ૧૯ ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો. 20 ૨૦ તમે કહેશો કે, “જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?” 21 ૨૧ સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ. 22 ૨૨ તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો. 23 ૨૩ જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો. 24 ૨૪ ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે. 25 ૨૫ જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે. 26 ૨૬ તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય, 27 ૨૭ તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે. 28 ૨૮ પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે. 29 ૨૯ જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે. 30 ૩૦ જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય. 31 ૩૧ પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ. 32 ૩૨ તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય. 33 ૩૩ જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે. 34 ૩૪ પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે. 35 ૩૫ તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે. 36 ૩૬ તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે. 37 ૩૭ તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું. 38 ૩૮ તમને કનાનનો દેશ આપવા માટે અને તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું. 39 ૩૯ તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ. 40 ૪૦ તેની સાથે નોકરીએ રાખેલ ચાકર જેવો વ્યવહાર કરવો. અને તે તમારી સાથે પ્રવાસી તરીકે રહે. તે જ્યુબિલીના વર્ષ સુધી તમારી ચાકરી કરશે. 41 ૪૧ પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે. 42 ૪૨ કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહિ. 43 ૪૩ તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો. 44 ૪૪ અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશજાતિઓમાંથી તમારે રાખવા. 45 ૪૫ વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા. અને તેઓ તમારી સંપત્તિ થાય. 46 ૪૬ તમે તે લોકોને તમારા વંશજોને વારસામાં આપી શકો છો, તેમ જ તમે તેમનો કાયમ માટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે ગુલામોની જેમ મજૂરી કરાવવી નહિ. 47 ૪૭ જયારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે, 48 ૪૮ તો તમારા ઇઝરાયલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે. 49 ૪૯ તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે. 50 ૫૦ તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. 51 ૫૧ જો જ્યુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો જેટલા પૈસાથી તે ખરીદાયો હોય તેમાંથી તે વ્યક્તિએ કિંમતનો ભાગ પાછો આપવો. અને એ વર્ષોની ગણતરી પર આધારિત હોય. 52 ૫૨ ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જ્યુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો. 53 ૫૩ વર્ષ દર વર્ષ તેની સાથે નોકરીએ રાખેલા ચાકરની જેમ વર્તન કરવું. અને તમારે તેના માલિકને તેની પાસે નિર્દયતાથી કામ લેવા દેવું જોઈએ નહિ. 54 ૫૪ જો જ્યુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમિયાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જ્યુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં, 55 ૫૫ કેમ કે, ઇઝરાયલીઓ મારા સેવકો છે; તેઓ મારા સેવકો છે જેઓને હું મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”

< લેવીય 25 >