< યહોશુઆ 20 >

1 પછી યહોવાહે યહોશુઆને કહ્યું, 2 “ઇઝરાયલના લોકોની સાથે વાત કરીને કહે કે, ‘મૂસાની મારફતે જે વિષે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આશ્રયનાં નગરો ઠરાવો. 3 કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે. 4 તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે, તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે. 5 અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો. 6 તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી, તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી, તે તેં જ નગરમાં રહે. પછી એ મનુષ્યઘાતક તેના પોતાના ઘરે અથવા તેના પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય.” 7 તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન, 8 પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા. 9 એ નગરો સર્વ ઇઝરાયલના લોકોને સારું અને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે, જે કોઈ જાણતા અજાણતાં કોઈ વ્યક્તિનું ખૂન કરે, જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહિ, ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય.

< યહોશુઆ 20 >