< અયૂબ 39 >

1 ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે? 2 તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે? 3 તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે, અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે 4 તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી. 5 જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે? તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે? 6 તેનું ઘર મેં અરાબાહમાં, તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે. 7 તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી. 8 જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે; ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે. 9 શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા? તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે? 10 ૧૦ શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે? શું તે તારા માટે હળ ખેડશે? 11 ૧૧ જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે? તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે? 12 ૧૨ શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે? અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે? 13 ૧૩ શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે, પણ તેની પાંખો અને પીંછાઓ શું માયાળુ હોય છે? 14 ૧૪ કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ ઈંડાને સેવે છે. 15 ૧૫ કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી. 16 ૧૬ તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ; તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી. 17 ૧૭ કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે અને તેમણે તેને અક્કલ આપી નથી. 18 ૧૮ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે. 19 ૧૯ શું ઘોડાને બળ તેં આપ્યું છે? શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે? 20 ૨૦ શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે? તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે. 21 ૨૧ તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે. 22 ૨૨ તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી. 23 ૨૩ ભાથો, તીરો તથા ચમકતી બરછી તેના શરીર પર ખખડે છે. 24 ૨૪ ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી. 25 ૨૫ જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’ તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે. 26 ૨૬ શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે? 27 ૨૭ શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું? 28 ૨૮ ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે. 29 ૨૯ “ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે; તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે. 30 ૩૦ તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”

< અયૂબ 39 >