< યશાયા 9 >

1 પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે. 2 અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે. 3 તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ. 4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે. 5 સૈનિકોના અવાજ કરતા જોડા અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે. 6 કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. 7 દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે. 8 પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે. 9 એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે, 10 ૧૦ “ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું.” 11 ૧૧ તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; 12 ૧૨ પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે. 13 ૧૩ તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી. 14 ૧૪ તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે. 15 ૧૫ વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે. 16 ૧૬ આ લોકોના આગેવાન એ તેમને અન્ય માર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે. 17 ૧૭ તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ, કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે. 18 ૧૮ દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે; તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે. 19 ૧૯ સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી. 20 ૨૦ તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે. 21 ૨૧ મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે. આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

< યશાયા 9 >