< યશાયા 7 >

1 યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ. 2 દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં. 3 ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ. 4 તું તેને કહે કે, ‘સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા. 5 અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે 6 “આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.” 7 પણ પ્રભુ યહોવાહ કહે છે કે, “એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ, 8 કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ. 9 એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ.” 10 ૧૦ પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી, 11 ૧૧ “તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” (Sheol h7585) 12 ૧૨ પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.” 13 ૧૩ પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?” 14 ૧૪ તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે. 15 ૧૫ તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે. 16 ૧૬ એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે. 17 ૧૭ એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવાહ તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે તે આશ્શૂરના રાજાને લાવશે.” 18 ૧૮ વળી તે સમયે યહોવાહ મિસરની નદીના છેડાઓ પર જે માખી છે તેને અને આશ્શૂરમાંથી જે મધમાખીઓ છે તેમને યહોવાહ સીટી વગાડીને બોલાવશે. 19 ૧૯ તેઓ બધી આવીને, કોતરોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાનાં છોડવાઓમાં અને સર્વ બીડોમાં ભરાઈ રહેશે. 20 ૨૦ તે દિવસે પ્રભુ ફ્રાત નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશ્શૂરના રાજા વડે, તમારું માથું અને પગોના વાળ મૂંડી નાખશે; અને દાઢી પણ કાઢી નાખશે. 21 ૨૧ તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે. 22 ૨૨ અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે, જે બધા દેશમાં બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં અને મધ ખાશે. 23 ૨૩ તે સમયે, એમ થશે કે જ્યાં એક હજાર રૂપિયાના એક હજાર દ્રાક્ષાવેલા રોપેલા હતા, તેવી દરેક જગ્યા કાંટા અને ઝાંખરાંનું સ્થાન થઈ જશે. 24 ૨૪ પુરુષો ધનુષ લઈને ત્યાં શિકાર કરવા જશે, કારણ કે આખી ભૂમિ કાંટા અને ઝાંખરાં થશે. 25 ૨૫ તે સર્વ ટેકરાઓ જે પાવડાથી ખોદવામાં આવતા, ત્યાં કાંટા અને ઝાંખરાંની બીક હતી નહિ; પણ ત્યાં બળદો તથા ઘેટાંને ચરવાની જગ્યા થઈ પડશે.

< યશાયા 7 >