< યશાયા 65 >

1 “જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, ‘હું આ રહ્યો! 2 જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે! એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા. 3 તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે. 4 તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે. 5 તેઓ કહે છે, ‘દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.’ આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે. 6 જુઓ, એ મારી આગળ લખેલું છે: હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ. 7 હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ,” એમ યહોવાહ કહે છે. “જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ.” 8 આ યહોવાહ કહે છે: “જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, ત્યારે કોઈ કહે છે, ‘તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,’ તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય. 9 હું યાકૂબનાં સંતાન અને યહૂદિયાનાં સંતાનોને લાવીશ, તેઓ મારા પર્વતોનો વારસો પામશે. મારા પસંદ કરેલા લોકો તેનો વારસો પામશે અને મારા સેવકો ત્યાં વસશે. 10 ૧૦ જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે. 11 ૧૧ પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો 12 ૧૨ તેઓને એટલે તમને તલવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.” 13 ૧૩ આ પ્રભુ યહોવાહ કહે છે: જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે લજ્જિત થશો. 14 ૧૪ જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો. 15 ૧૫ તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો; અને હું, પ્રભુ યહોવાહ, તમને મારી નાખીશ, હું મારા સેવકોને બીજા નામથી બોલાવીશ. 16 ૧૬ જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે. જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે, કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે. 17 ૧૭ કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ. 18 ૧૮ પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. 19 ૧૯ હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ; તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ. 20 ૨૦ ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ. 21 ૨૧ તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે. 22 ૨૨ તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. 23 ૨૩ તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે. 24 ૨૪ તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ. 25 ૨૫ વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; પણ ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે.

< યશાયા 65 >