< યશાયા 59 >

1 જુઓ, યહોવાહનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ના શકે અથવા તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. 2 પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે, અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ. 3 કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે. તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે. 4 ન્યાયને અનુસરીને કોઈ પોકાર કરતું નથી અને સત્યથી કોઈ દલીલ કરતું નથી. તેઓ ખાલી શબ્દો પર ભરોસો રાખે છે અને જૂઠું કહે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે. 5 તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે. 6 તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ. તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે. 7 તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે. તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે. 8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેઓના રસ્તામાં કંઈ ઇનસાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગ પર ચાલે છે તેને શાંતિ મળતી નથી. 9 તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ. 10 ૧૦ કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ. 11 ૧૧ અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ; અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે. 12 ૧૨ કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ. 13 ૧૩ અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા. જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે. 14 ૧૪ ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે અને ન્યાયીપણું દૂર ઊભું રહે છે; કેમ કે સત્ય જાહેર ચોકમાં ઠોકર ખાય છે અને પ્રામાણિકતા પ્રવેશ કરી શકતી નથી. 15 ૧૫ વિશ્વસનીયતા દૂર થઈ છે અને જે કોઈ દુષ્ટતાથી પાછો ફરે છે તે પોતે તેનો ભોગ બને છે. યહોવાહે જોયું કે કંઈ ઇનસાફ નથી એ તેમને માઠું લાગ્યું. 16 ૧૬ તેમણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી. તેથી તેમણે પોતાને માટે પોતાને જ હાથે ઉદ્ધાર સાધ્યો અને તેમનું ન્યાયીપણું તેમનો આધાર થયું. 17 ૧૭ તેમણે ન્યાયીપણાનું બખતર અને માથા પર તારણનો ટોપ ધારણ કર્યો છે. તેમણે વેરનાં વસ્ત્રો પહેરી લીધાં છે અને ઉમંગનું આવરણ ઓઢ્યું છે. 18 ૧૮ તેઓએ જે કર્યું હતું તે પ્રમાણેનો બદલો તેમણે આપ્યો છે, પોતાના વેરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ અને સમુદ્ર કિનારે આવેલોઓને તે શિક્ષા કરશે. 19 ૧૯ તેથી તેઓ પશ્ચિમથી યહોવાહના નામનો અને પૂર્વથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે યહોવાહના શ્વાસથી ચાલતા પ્રવાહની જેમ ધસી આવશે. 20 ૨૦ યહોવાહ એવું કહે છે કે, “સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે.” 21 ૨૧ યહોવાહ કહે છે, “તેમની સાથે આ મારો કરાર છે,” “મારો આત્મા જે તારા પર છે અને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂક્યાં છે, તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતાં રહેનાર નથી.”

< યશાયા 59 >