< યશાયા 2 >
1 ૧ આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.
2 ૨ છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.
3 ૩ ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.” કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે
4 ૪ તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
5 ૫ હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.
6 ૬ કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે.
7 ૭ તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી.
8 ૮ વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે.
9 ૯ તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.
10 ૧૦ યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.
11 ૧૧ માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે.
12 ૧૨ કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે.
13 ૧૩ લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર;
14 ૧૪ અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર;
15 ૧૫ અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર;
16 ૧૬ અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે.
17 ૧૭ તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
18 ૧૮ મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.
19 ૧૯ યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.
20 ૨૦ તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.
21 ૨૧ જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
22 ૨૨ માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે?