< હોશિયા 6 >

1 “આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે. 2 બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું. 3 ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે. 4 હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે. 5 માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે. 6 કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું. 7 તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે. 8 ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે. 9 જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે; તેઓએ શરમજનક અપરાધો કર્યા છે. 10 ૧૦ ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે; ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે. 11 ૧૧ હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.

< હોશિયા 6 >