હોશિયા 13

1 એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી. ઇઝરાયલમાં તે સન્માન પામતો, પણ બાલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો. 2 હવે તેઓ અધિકાધિક પાપ કરતા જાય છે. તેઓ પોતાની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે, પોતાને માટે પોતાની કુશળતા પ્રમાણેની મૂર્તિઓ બનાવે છે, એ બધી તો કારીગરે બનાવેલી છે, લોકો તેઓના વિષે કહે છે કે, “આ બલિદાન ચઢાવનાર માણસો વાછરડાઓને ચુંબન કરે છે.” 3 તેઓ સવારના વાદળના જેવા, જલદી ઊડી જતા ઝાકળના જેવા, પવનથી ખળામાંના તણાઈ જતા ભૂસા જેવા, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે. 4 પણ તમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. મારા સિવાય તમે કોઈ બીજા ઈશ્વરને જાણતા નથી. મારા સિવાય તમારા બીજા કોઈ તારણહાર નથી. 5 મેં તને અરણ્યમાં, મહાન સુકવણાના દેશમાં ઓળખ્યો. 6 જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા; જ્યારે તેઓ તૃપ્ત થયા, ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું તે કારણથી તેઓ મને ભૂલી ગયા. 7 એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ, દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ. 8 જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ; હું તેઓની છાતી ચીરી નાખીશ, ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલનાં જાનવર તેઓને ફાડી નાખશે. 9 હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો. 10 ૧૦ તારાં બધાં નગરોમાં તારું રક્ષણ કરનાર, તારો રાજા ક્યાં છે? “મને રાજા તથા સરદારો આપો” જેના વિષે તેં મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે? 11 ૧૧ મેં મારા ગુસ્સામાં તમને રાજા આપ્યો હતો, પછી ક્રોધમાં મેં તેને લઈ લીધો. 12 ૧૨ એફ્રાઇમના અન્યાયનો સંગ્રહ કરવામાં આવ્યો છે; તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. 13 ૧૩ તેના પર પ્રસૂતાનું દુઃખ આવશે, પણ તે મૂર્ખ દીકરો છે, કેમ કે જન્મ થવાના સમયે તે અટકવું ન જોઈએ એવો સમય આવ્યો છે. 14 ૧૪ શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ? હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે. (Sheol h7585) 15 ૧૫ જોકે એફ્રાઇમ તેના સર્વ ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો પવન આવશે, એટલે યહોવાહનો પવન અરણ્યમાંથી આવશે, એફ્રાઇમના ઝરા સુકાઈ જશે, તેના કૂવામાં પાણી રહેશે નહિ. તેના શત્રુઓ ભંડારની દરેક કિંમતી વસ્તુઓ લૂંટશે. 16 ૧૬ સમરુને ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે; માટે તેણે પોતાના અપરાધનું ફળ ભોગવવું પડશે. તેઓ તલવારથી માર્યા જશે; તેઓનાં બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે, તેઓની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.