< ઊત્પત્તિ 35 >

1 ઈશ્વરે યાકૂબને કહ્યું, “હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ.” 2 પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો. 3 પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે.” 4 તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં. 5 જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ. 6 યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં. 7 તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ બેથેલ પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું. 8 રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ રાખવામાં આવ્યું. 9 જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો. 10 ૧૦ ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું. 11 ૧૧ ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે. 12 ૧૨ મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ.” 13 ૧૩ જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા. 14 ૧૪ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું. 15 ૧૫ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું. 16 ૧૬ તેઓ બેથેલથી આગળ વધ્યા. એફ્રાથ પહોંચવાને હજી થોડું અંતર બાકી રહ્યું હતું ત્યારે રાહેલને પ્રસૂતિપીડા થઈ. તેને સખત દુઃખાવો ઊપડ્યો. 17 ૧૭ જયારે તે સખત પીડાતી હતી ત્યારે તેને તેની દાઈએ કહ્યું, “બીશ નહિ, કેમ કે હવે તને બીજો દીકરો જન્મ્યો છે.” 18 ૧૮ જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું. 19 ૧૯ રાહેલ મૃત્યુ પામી. તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી. 20 ૨૦ યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ કહેવાય છે. 21 ૨૧ ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને મિગ્દાલ એદેરના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો. 22 ૨૨ જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા. 23 ૨૩ લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન. 24 ૨૪ રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન. 25 ૨૫ રાહેલની દાસી બિલ્હાના દીકરા: દાન તથા નફતાલી. 26 ૨૬ લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા. 27 ૨૭ મામરે, એટલે કિર્યાથ-આર્બા જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમ તથા ઇસહાક રહ્યાં હતા, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો. 28 ૨૮ ઇસહાકનું આયુષ્ય એકસો એંસી વર્ષનું હતું. 29 ૨૯ ઇસહાક ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને તેના પૂર્વજો સાથે મળી ગયો. તેના દીકરા એસાવે તથા યાકૂબે તેને દફનાવ્યો.

< ઊત્પત્તિ 35 >