< હઝકિયેલ 27 >

1 ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, 2 “હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર, 3 અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’ 4 તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે. 5 તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં. 6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું. 7 તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી. 8 તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા. 9 ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા. 10 ૧૦ ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા! 11 ૧૧ તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે. 12 ૧૨ તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા. 13 ૧૩ યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા. 14 ૧૪ બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા. 15 ૧૫ દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા. 16 ૧૬ તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા. 17 ૧૭ યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા. 18 ૧૮ તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા. 19 ૧૯ ઉઝાલથી દાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો. 20 ૨૦ દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો. 21 ૨૧ અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા. 22 ૨૨ શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા. 23 ૨૩ હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા. 24 ૨૪ તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામનાં વસ્ત્રો, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા. 25 ૨૫ તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો. 26 ૨૬ તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે. 27 ૨૭ તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે. 28 ૨૮ તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે. 29 ૨૯ તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે. 30 ૩૦ તેઓ તારું દુ: ખ જોઈને વિલાપ કરશે અને દુ: ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે. 31 ૩૧ તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે. 32 ૩૨ તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે? 33 ૩૩ જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું. તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા. 34 ૩૪ જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું, ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે. 35 ૩૫ દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે. 36 ૩૬ પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”

< હઝકિયેલ 27 >