< નિર્ગમન 35 >

1 મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, “આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે. 2 છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાહને માટે તે વિશ્રામવાર થાય. તે દિવસે જે કોઈ કામ કરે તે મારી નંખાય. 3 વિશ્રામવારના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ.” 4 મૂસાએ ઇઝરાયલીઓની આખી સભાને કહ્યું, “જે આજ્ઞા યહોવાહે આપી છે તે આ પ્રમાણે છે. 5 યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ, 6 ભૂરા, જાંબુડિયા, કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ; 7 ઘેટાંનું લાલ રંગેલુ ચામડું, સીલ માછલાંના ચામડાં, બાવળનાં લાકડાં; 8 દીવાને માટે તેલ, અભિષેકના તેલ માટે, સુંગધીદાર ધૂપ માટે સુગંધી દ્રવ્યો, 9 ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો. 10 ૧૦ તમારામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાહે જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે; 11 ૧૧ પવિત્રમંડપનો તંબુ, તેનું આચ્છાદન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કૂંભીઓ; 12 ૧૨ કરારકોશ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો. 13 ૧૩ મેજ તથા તેને ઊંચકવાની દાંડીઓ, તેનાં બધાં પાત્રો તથા અર્પેલી રોટલી; 14 ૧૪ દીપવૃક્ષ તથા તેનાં સાધનો, દીવાઓ તથા દીવાને માટે તેલ; 15 ૧૫ ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ તથા મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માટેનો પડદો; 16 ૧૬ દહનીયાર્પણની વેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું. 17 ૧૭ આંગણાની ભીંતો માટેના પડદાઓ, સ્તંભો તથા તેઓની કૂંભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માટેના પડદાઓ; 18 ૧૮ મુલાકાતમંડપના અને તેના આંગણા માટેના સ્તંભો, આંગણાની દોરીઓ; 19 ૧૯ પવિત્રસ્થાનમાં સેવા કરવાના માટે ઝીણાં વણેલાં વસ્ત્રો, એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્ત્રો અને તેના દીકરાઓના વસ્ત્રો.” 20 ૨૦ પછી ઇઝરાયલીઓની સમગ્ર સભા મૂસાની હજૂરમાંથી રવાના થઈ. 21 ૨૧ જેઓને હોંશ હતી અને જેઓના હૃદયોમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ આવ્યા અને મુલાકાતમંડપના કામને સારુ તથા તેની સર્વ સેવાને સારુ તથા પવિત્ર વસ્ત્રોને સારુ યહોવાહને માટે અર્પણ લાવ્યા. 22 ૨૨ જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, તેઓ આવ્યા. તેઓ નથનીઓ, કડીઓ, વીંટીઓ, બંગડીઓ તથા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં. યહોવાહને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું. 23 ૨૩ પ્રત્યેક માણસ જેની પાસે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનાં ઊન, ઝીણું શણ, બકરાંના વાળ, ઘેટાંના રાતા રંગેલા ચામડાં તથા શીલ માછલાંનાં ચામડાં મળી આવ્યાં તે પણ તે લઈ આવ્યો. 24 ૨૪ જે કોઈએ પણ યહોવાહને ચાંદી કે પિત્તળનું અર્પણ ચઢાવ્યું તે સૌ તે લાવ્યા અને પ્રત્યેક માણસ જેની પાસે સેવાના કોઈ પણ કામને માટે બાવળનું લાકડું મળી આવ્યું તે તે લાવ્યો. 25 ૨૫ સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતે કાંતેલું, એટલે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણું શણ લાવી. 26 ૨૬ જે સર્વ સ્ત્રીઓના હૃદયમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યા. 27 ૨૭ અધિકારીઓ ગોમેદ પાષાણ, એફોદ તથા ઉરાવરણમાં જડવા માટે પાષાણો લાવ્યા. 28 ૨૮ તેમ જ દીવા, અભિષેકના તેલ, સુગંધીદાર ધૂપને માટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા. 29 ૨૯ આ પ્રમાણે ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાહને માટે ઐચ્છિકાર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાહે કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું. 30 ૩૦ મૂસાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “જુઓ, યહોવાહે યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા, બસાલેલને નામ લઈને બોલાવ્યો છે. 31 ૩૧ બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતે યહોવાહે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. 32 ૩૨ એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે અને સોનામાં, ચાંદીમાં, પિત્તળમાં, 33 ૩૩ જડવાને માટે પાષાણ કોતરવામાં, લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે. 34 ૩૪ યહોવાહે તેને તથા દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને તેણે શીખવવાનું મન આપ્યું છે. 35 ૩૫ તેણે તેઓને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે કે તેઓ કોતરણીનું, સીવણનું, ભરતકામના કિરમજી રંગના વસ્ત્રના પડદાઓના ભરતકામ તૈયાર કરવાનું, ભૂરા, જાંબુડિયા તથા કિરમજી ઊનના અને ઝીણા શણના ભરત ભરનારની અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની કારીગરી કરે.

< નિર્ગમન 35 >