< નિર્ગમન 12 >

1 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું, 2 “તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.” 3 સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું. 4 અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.” 5 પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ. 6 તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે. 7 તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ. 8 “તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.” 9 એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું. 10 ૧૦ તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું. 11 ૧૧ તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે. 12 ૧૨ “કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું. 13 ૧૩ પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ. 14 ૧૪ તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.” 15 ૧૫ “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે. 16 ૧૬ આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું. 17 ૧૭ તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો. 18 ૧૮ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. 19 ૧૯ સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય. 20 ૨૦ ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી.” 21 ૨૧ તેથી મૂસાએ ઇઝરાયલના બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા. અને તેઓને કહ્યું, “જાઓ, તમારા પરિવાર પ્રમાણે હલવાન લઈ આવો અને પાસ્ખાના એ બલિને કાપો. 22 ૨૨ પછી ઝુફા ડાળી લઈને તેને હલવાનના રક્તના પાત્રમાં બોળીને ઓતરંગ પર અને બન્ને બારસાખ પર તે પાત્રમાંનું રક્ત લગાડજો. અને સવાર સુધી તમારામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ.” 23 ૨૩ કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ. 24 ૨૪ તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. અને તમે તથા તમારા દીકરાઓ કાયમના વિધિ તરીકે પાળજો. 25 ૨૫ વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું. 26 ૨૬ જ્યારે તમને તમારાં સંતાનો તરફથી પૂછવામાં આવે કે, ‘આપણે આ પર્વ શા માટે પાળીએ છીએ?’ 27 ૨૭ ત્યારે તમે સમજાવજો કે, ‘એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,’ કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું. 28 ૨૮ યહોવાહે જે આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેનો અમલ કર્યો. 29 ૨૯ અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો. 30 ૩૦ ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું. 31 ૩૧ તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, “તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો. 32 ૩૨ અને તમારા કહ્યા પ્રમાણે તમે તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને પણ લઈ જાઓ. અને મને આશીર્વાદ આપો.” 33 ૩૩ વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે “અમે તો મરી ગયા!” 34 ૩૪ ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી. 35 ૩૫ પછી જતાં પૂર્વે ઇઝરાયલીઓએ મૂસાના કહ્યા પ્રમાણે “પોતાના મિસરી પડોશીઓ પાસેથી વસ્ત્રો તથા સોનાચાંદીનાં ઘરેણાં માગી લીધાં. 36 ૩૬ યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.” 37 ૩૭ ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં. 38 ૩૮ અન્ય જાતના લોકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે હતા. વળી પુષ્કળ ઘેટાંબકરાં અને અન્ય જાનવરો પણ હતાં. 39 ૩૯ મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું. 40 ૪૦ ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા. 41 ૪૧ અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં. 42 ૪૨ આ એક બહુ જ ખાસ રાતને લોકોએ યાદ રાખવી કે મિસર દેશમાંથી યહોવાહ તેઓને બહાર લાવ્યા તે કારણે તે રાત તેમના માનાર્થે ઇઝરાયલના સર્વ લોકોએ વંશપરંપરાગત તેને એક રાત તરીકે ઊજવવાની છે.” 43 ૪૩ પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ બિનઇઝરાયલી વિદેશી પાસ્ખા ખાય નહિ. 44 ૪૪ પરંતુ ઇઝરાયલી વ્યક્તિએ મૂલ્ય ચૂકવીને ખરીદેલ અને સુન્નત કરેલ હશે તે પાસ્ખા ખાઈ શકશે.” 45 ૪૫ પરંતુ પરદેશમાંથી આવીને અહીં વસેલો કોઈ માણસ, પગારીદાર નોકર અથવા મજૂર તે ખાઈ શકે નહિ. 46 ૪૬ “દરેક પરિવારે પાસ્ખાનું આ ભોજન પોતાના ઘરમાં જ કરવાનું છે. તેમાંનું જરાય માંસ બહાર લઈ જવું નહિ. તમારે હલવાનનું એકેય હાડકું ભાગવું નહિ.” 47 ૪૭ સમગ્ર ઇઝરાયલી લોક આ પર્વને અવશ્ય પાળે અને ઊજવે. 48 ૪૮ પણ કોઈ વિદેશી તમારી સાથે રહેતો હોય, તે જો યહોવાહનું પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે અને તેના ઘરના બધા પુરુષો સુન્નત કરાવે ત્યારપછી તે પાસ્ખાપર્વ પાળી શકે. તેને દેશના વતની જેવો માનવામાં આવે. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માણસે તે ખાવું નહિ. 49 ૪૯ “દેશમાં વતનીઓ માટે અને તમારી સાથેના પ્રવાસી પરદેશીઓ માટેના નિયમો એક સરખા જ હોય.” 50 ૫૦ ઇઝરાયલના બધા લોકોએ એમ જ કર્યુ. યહોવાહે મૂસાને અને હારુનને આજ્ઞા કરી હતી તે પ્રમાણે તેઓએ કર્યું. 51 ૫૧ તે જ દિવસે યહોવાહ ઇઝરાયલી લોકોને તેઓનાં કુળો સહિત મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા.

< નિર્ગમન 12 >