< પુનર્નિયમ 17 >

1 યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે. 2 જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે, 3 અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય, 4 તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે. 5 તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો. 6 બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે; પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહિ. 7 સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યારપછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો. 8 જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું. 9 લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે. 10 ૧૦ યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું. 11 ૧૧ તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ. 12 ૧૨ જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી. 13 ૧૩ અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ. 14 ૧૪ યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો અને એમ કહો કે, ‘અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું. 15 ૧૫ તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ. 16 ૧૬ ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.” 17 ૧૭ વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે. 18 ૧૮ અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે 19 ૧૯ અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે. 20 ૨૦ એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.

< પુનર્નિયમ 17 >