< 2 શમએલ 24 >

1 ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર.” 2 રાજાએ યોઆબ સેનાપતિને કે જે તેની સાથે હતો તેને કહ્યું, “દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં ફરીને લોકોની ગણતરી કર કે, હું લોકોની કુલ સંખ્યા જાણું કે જેઓ યુદ્ધને માટે તૈયાર છે.” 3 યોઆબે રાજાને કહ્યું, “લોકો ગમે તેટલાં હોય, તો પણ તમારા પ્રભુ ઈશ્વર તેઓને સોગણાં વધારો અને તું મારો માલિક રાજા પોતાની આંખે તે જુએ. પણ હે રાજા આ વાતમાં તું કેમ આનંદ માને છે?” 4 તોપણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યના સરદારોની ઉપર અસરકારક થયું. તેથી યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવાને રાજાની હજૂરમાંથી ગયા. 5 તેઓએ યર્દન ઊતરીને દક્ષિણ તરફના નગર અરોએરની ખીણમાં છાવણી કરી. પછી તેઓએ ગાદથી યાઝેર સુધી મુસાફરી કરી. 6 તેઓ ગિલ્યાદ તથા તાહતીમ-હોદશીના દેશમાં આવ્યા, પછી તેઓ દાન-યાઆનમાં આવ્યા અને ચારેબાજુ ફરીને તેઓ સિદોન ભણી ગયા. 7 તૂરના મજબૂત કિલ્લામાં, હિવ્વીઓના તથા કનાનીઓના સર્વ નગરોમાં તેઓ પહોંચ્યા. પછી તેઓ યહૂદિયાના નેગેબમાં બેરશેબામાં ગયા. 8 એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા. 9 પછી યોઆબે રાજા આગળ યોદ્ધાઓની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી. તે મુજબ ઇઝરાયલમાં તલવાર ચલાવનાર આઠ લાખ શૂરવીર પુરુષો તથા યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા. 10 ૧૦ દાઉદે માણસોની ગણતરી કરાવ્યા પછી તે પોતાના હૃદયમાં ખિન્ન થયો. તેથી દાઉદે ઈશ્વરને કહ્યું, “મેં આ કરીને મોટું પાપ કર્યું છે. હવે, હે ઈશ્વર, કૃપા કરી તારા સેવકનો દોષ દૂર કર, કેમ કે મેં ઘણું મૂર્ખતાભર્યું કામ કર્યું છે.” 11 ૧૧ જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે 12 ૧૨ તું દાઉદ પાસે જઈને તેને કહે ‘ઈશ્વર એમ કહે છે કે: હું તારી આગળ ત્રણ વિકલ્પો મૂકું છું. તેમાંથી એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું. 13 ૧૩ માટે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, “તારા અપરાધને લીધે દેશમાં સાત વર્ષ સુધી દુકાળ આવે? અથવા તારા શત્રુઓ તારી પાછળ લાગે અને તું ત્રણ મહિના સુધી તેઓની આગળ નાસી જાય? અથવા તારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે આ ત્રણ બાબતોમાંથી કોઈ એકની પસંદગી કરીને જણાવ. તે પ્રમાણેનો જવાબ હું મને મોકલનાર ઈશ્વરને આપીશ.” 14 ૧૪ ત્યારે દાઉદે ગાદને કહ્યું, “હું ઘણી મુશ્કેલીમાં છું. માણસનાં હાથમાં પડવા કરતાં આપણે ઈશ્વરના હાથમાં જ પડીએ એ સારું છે. કેમ કે તેમની દયા પુષ્કળ છે.” 15 ૧૫ તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેરશેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. 16 ૧૬ દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “હવે બસ! તારો હાથ પાછો લે.” તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો. 17 ૧૭ અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, “જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ.” 18 ૧૮ તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું, “જા અરાવ્નાહ યબૂસીની ખળીમાં ઈશ્વરને માટે વેદી બાંધ.” 19 ૧૯ માટે ગાદના કહેવા પ્રમાણે, ઈશ્વરે આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો. 20 ૨૦ અરાવ્નાહે બહાર નજર કરી, તો તેણે રાજાને તથા તેના ચાકરોને પોતાની નજીક આવતા જોયા. માટે અરાવ્નાહ તેઓની સામે ગયો. તેણે રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. 21 ૨૧ પછી અરાવ્નાહે કહ્યું, “મારો માલિક રાજા પોતાના ચાકરની પાસે કેમ આવ્યો છે?” દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે ઈશ્વરને સારુ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું. 22 ૨૨ અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, ખળી તારી પોતાની છે એમ સમજીને લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો, અહીં દહનીયાર્પણને માટે બળદો અને લાકડાને માટે ખળીના ઓજારો તથા બળદોનો સામાન છે. 23 ૨૩ હે મારા રાજા, હું અરાવ્નાહ આ બધું તને આપું છું.” પછી અરાવ્નાહે રાજાને કહ્યું, “તારા પ્રભુ ઈશ્વર તને માન્ય કરો.” 24 ૨૪ રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ 575 ગ્રામ ચાંદી આપીને ખળી તથા બળદોને ખરીદી લીધા. 25 ૨૫ દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.

< 2 શમએલ 24 >