< 2 કાળવ્રત્તાંત 13 >

1 રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. 2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું. 3 અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો. 4 અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો! 5 શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે? 6 તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો. 7 હલકા માણસો તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા. સુલેમાનનો દીકરો રહાબામ જુવાન તથા બિનઅનુભવી હોવાથી તેમની સામે લડવાને અશક્ત હતો, ત્યારે તેઓ તેની સામે લડવાને તૈયાર થયા. 8 હવે તમે દાઉદના વંશજોના હાથમાં ઈશ્વરનું રાજ છે, તેની સામે થવાનો ઇરાદો રાખો છો. તમારું સૈન્ય બહુ મોટું છે અને યરોબામે જે સોનાના દેવો બનાવ્યા છે તે પણ તમારી પાસે છે. 9 શું તમે ઈશ્વરના યાજકોને, એટલે હારુનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને માટે મૂર્તિપૂજક યાજકો નીમ્યા નથી? તમારામાં તો કોઈપણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તે તેઓનો યાજક થાય છે. 10 ૧૦ પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે. 11 ૧૧ તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે. 12 ૧૨ જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી.” 13 ૧૩ યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી. 14 ૧૪ જયારે યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં. 15 ૧૫ પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા. 16 ૧૬ ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા. 17 ૧૭ અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુવારી કરીને તેઓનો સંહાર કર્યો; ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા માણસો માર્યા ગયા. 18 ૧૮ આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો. 19 ૧૯ અબિયાએ યરોબામનો પીછો કર્યો; તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધાં. 20 ૨૦ અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો. 21 ૨૧ પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી. 22 ૨૨ અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.

< 2 કાળવ્રત્તાંત 13 >