< 1 રાજઓ 7 >

1 સુલેમાનને પોતાનો મહેલ બાંધતાં તેર વર્ષ લાગ્યાં હતાં. 2 તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું. 3 દર હારે પંદર પ્રમાણે સ્તંભો પરની પિસ્તાળીસ વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું. 4 બારીઓની ત્રણ હાર હતી અને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા. 5 બધા દરવાજા તથા દરવાજાના ચોકઠાં સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના ત્રણ માળ હતા. 6 તેણે સ્તંભોથી પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ અને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી, તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા. 7 સુલેમાને ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એટલે ન્યાયની પરસાળ બનાવી. તળિયાથી તે મથાળા સુધી તેને દેવદારથી મઢવામાં આવી. 8 સુલેમાનને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારુનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું. તેને માટે તેણે તે મહેલ બાંધ્યો. 9 રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માટે અતિ મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં કરેલાં હતાં. 10 ૧૦ તેનો પાયો કિંમતી પથ્થરોનો, એટલે મોટા દસ હાથનાં તથા આઠ હાથનાં પથ્થરોનો હતો. 11 ૧૧ ઉપર કિંમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારનાં લાકડાં હતા. 12 ૧૨ યહોવાહના સભાસ્થાનની અંદરનાં આંગણાં તથા સભાસ્થાનની પરસાળની જેમ મોટા આંગણાની ચારેબાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર તથા દેવદારના મોભની એક હાર હતી. 13 ૧૩ સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હીરામને લઈ આવ્યા. 14 ૧૪ હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં. 15 ૧૫ હુરામે પિત્તળના અઢાર હાથ ઊંચા બે સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા બાર હાથ લાંબી દોરી જતી હતી. 16 ૧૬ સ્તંભની ટોચ પર મૂકવા માટે તેણે પિત્તળના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. 17 ૧૭ સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ પિત્તળની સાત સાંકળો બનાવેલી હતી. 18 ૧૮ આ પ્રમાણે હુરામે બે સ્તંભો બનાવ્યા. હુરામે એક સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ દાડમની બે હારમાળા બનાવી, બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું. 19 ૧૯ પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા, તે ચાર હાથ લાંબા હતા. 20 ૨૦ એ બે સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારેબાજુ બસો દાડમ હારબંધ બનાવેલાં હતા. 21 ૨૧ તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆઝ પાડ્યું. 22 ૨૨ સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું. 23 ૨૩ હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી. 24 ૨૪ તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી. 25 ૨૫ હોજ બાર બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોનાં ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ, ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતાં. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી. 26 ૨૬ હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો. 27 ૨૭ તેણે પિત્તળના દસ ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી. 28 ૨૮ તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાંની વચ્ચે હતી. 29 ૨૯ ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી. 30 ૩૦ તે દરેક ચોતરાને પિત્તળનાં ચાર પૈડાં અને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકો હતો. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી. 31 ૩૧ મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી. 32 ૩૨ ચાર પૈડાં તકતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી. 33 ૩૩ પૈડાંની બનાવટ રથના પૈડાંની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધા ઢાળેલાં હતાં. 34 ૩૪ દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા. 35 ૩૫ ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતાં. 36 ૩૬ તે પાટિયાં પર જયાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતાં અને તેની ફરતે ઝાલરો હતી. 37 ૩૭ આ રીતે તેણે દસ ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એક સરખા હતા. 38 ૩૮ તેણે પિત્તળનાં દસ કૂંડાં બનાવ્યાં. દરેક કૂંડામાં ચાળીસ બાથ પાણી સમાતું હતું. તે દરેક કૂંડું ચાર હાથનું હતું. પેલા દશ ચોતરામાંના પ્રત્યેક પર એક કૂંડું હતું. 39 ૩૯ તેણે પાંચ કૂંડાં સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા પાંચ કૂંડા ઉત્તર તરફ મૂક્યાં. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો. 40 ૪૦ તે ઉપરાંત હીરામે કૂંડાં, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હુરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાહનું ભક્તિસ્થાનમાં કર્યું હતું. 41 ૪૧ એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી. 42 ૪૨ તેણે તે બે જાળીને માટે ચારસો દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બન્ને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની બબ્બે હારો; 43 ૪૩ દસ ચોતરા અને તેને માટે દસ કૂંડાં બનાવ્યાં. 44 ૪૪ તેણે એક મોટો હોજ અને તેની નીચેના બાર બળદો બનાવ્યા. 45 ૪૫ હીરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધાં સાધનો યહોવાહનો ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળનાં બનાવ્યાં હતાં. 46 ૪૬ રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો. 47 ૪૭ સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધાં, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહિ. 48 ૪૮ સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ; 49 ૪૯ તેણે શુદ્ધ સોનાનાં પાંચ દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજાં પાંચ ઉત્તર બાજુએ પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યાં. દરેક પર ફૂલો, દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધાં સોનાનાં બનેલાં હતાં. 50 ૫૦ શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં. 51 ૫૧ આમ યહોવાહના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું. અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલાં સોનાનાં અને ચાંદીનાં પાત્રો લઈ જઈને યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યાં.

< 1 રાજઓ 7 >