< 1 કાળવ્રત્તાંત 16 >

1 તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં. 2 જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો. 3 તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો. 4 યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા. 5 આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો. 6 બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા. 7 પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા. 8 ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો. 9 તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો. 10 ૧૦ તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો. 11 ૧૧ યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો. 12 ૧૨ જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો. 13 ૧૩ તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો. 14 ૧૪ તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે. 15 ૧૫ તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો. 16 ૧૬ ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી. 17 ૧૭ એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે. 18 ૧૮ તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.” 19 ૧૯ જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા. 20 ૨૦ તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા. 21 ૨૧ ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી. 22 ૨૨ તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.” 23 ૨૩ હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો. 24 ૨૪ રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો. 25 ૨૫ કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે. 26 ૨૬ કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે. 27 ૨૭ તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે. 28 ૨૮ હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો. 29 ૨૯ યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો. 30 ૩૦ સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી. 31 ૩૧ આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.” 32 ૩૨ સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે. 33 ૩૩ પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે. 34 ૩૪ યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે. 35 ૩૫ બોલો, “હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ.” 36 ૩૬ ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી. 37 ૩૭ ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી. 38 ૩૮ તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા. 39 ૩૯ સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો. 40 ૪૦ યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા. 41 ૪૧ તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા. 42 ૪૨ હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું. 43 ૪૩ પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.

< 1 કાળવ્રત્તાંત 16 >