< પ્રેરિતોનાં કૃત્યો 25 >

1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો. 2 ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી. 3 તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ (એવા હેતુથી) કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે. 4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું. 5 માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું. 6 તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી. 7 તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ. 8 ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ખોટું કર્યું નથી. 9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?’ 10 ૧૦ પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો. 11 ૧૧ જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’” 12 ૧૨ ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે. 13 ૧૩ કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી. 14 ૧૪ તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે; 15 ૧૫ જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી. 16 ૧૬ મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને (મારી નાખવાને) સોંપી દેવો એ રોમનોની રીત નથી. 17 ૧૭ તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો. 18 ૧૮ ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ. 19 ૧૯ પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં. 20 ૨૦ એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે? 21 ૨૧ પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’” 22 ૨૨ ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’” 23 ૨૩ માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો. 24 ૨૪ ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો (યોગ્ય) નથી, તેને તમે જુઓ છો. 25 ૨૫ પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને (રોમ) મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે. 26 ૨૬ તેના વિષે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે. 27 ૨૭ કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”

< પ્રેરિતોનાં કૃત્યો 25 >