< તિમોથીને બીજો પત્ર 1 >

1 ખ્રિસ્ત ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ. 2 ઈશ્વર પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો. 3 વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું. 4 તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં; 5 કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. 6 માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું. 7 કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો (આત્મા) આપ્યો છે. 8 માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર. 9 તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી; (aiōnios g166) 10 ૧૦ પણ આપણા ઉદ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે; 11 ૧૧ મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે. 12 ૧૨ એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. 13 ૧૩ જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ. 14 ૧૪ જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ. 15 ૧૫ તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે. 16 ૧૬ પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ; 17 ૧૭ પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો. 18 ૧૮ (પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે (મારી) અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.

< તિમોથીને બીજો પત્ર 1 >